કોકરોચ જનતા પાર્ટી: વિદેશમાંથી દેશ બદલવાની થતી હાસ્યાસ્પદ વાતો


સોડા બોટલમાં આવતા ઉભાર જેટલું જ ક્ષણિક અસ્તિત્વ ધરાવીને સમાચાર માધ્યમોમાં ચમકેલી કોચરોચ જનતા પાર્ટીનો મમરો બે ચાર દિવસમાં જ હવાઈ ગયો. થોડા દિવસો પહેલાં જ કોકરોચ જનતા પાર્ટીના નામે સોશિયલ મીડિયામાં જે હલચલ થઈ એ જોતા જ યુવાનો તેમજ જેનઝી સહિતનાઓને લાગ્યું કે આપણે પણ બાંગ્લાદેશ તેમજ નેપાળવાળી કરીએ. આ બધામાં વિપક્ષના નેતાઓ તેમજ અન્ય રાજકીય પક્ષોના લોકોએ પણ ખૂબ મજા લીધી અને દેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો. શરૂઆતમાં જે રીતે બે ચાર દિવસ ટ્રેન્ડ ચાલ્યો એટલામાં તો ઇન્સ્ટાગ્રામ પર કોકરોચ જનતા પાર્ટીના કરોડો ફોલોઅર્સ થઈ ગયા. મુદ્દાની વાત તો એ કે જે લોકો એને ફોલો કરી રહ્યા છે એ ખરેખર અત્યારની સિસ્ટમ સામે નારાજ છે કે બધું માત્ર જસ્ટ ફોર ફન માટે જ થઈ રહ્યું છે એ જ સાફ નથી. 

એટલે આપણે અહીં કેવું ટોળાશાહી જેવું છે. ઘેટાનું ટોળું માથું નીચે રાખીને જે રીતે આગળ વધતું રહે એ રીતે આપણે ત્યાં પણ એકને જોઈને એનું અનુસરણ કરવાવાળા ઢગલાબંધ મળી રહે. પોતાની સૂઝબૂઝ કે વિવેકબુદ્ધિનો રતીભાર પણ ઉપયોગ કર્યા વિના આંધળું અનુકરણ કરીને એક કૂવામાં કૂદે તો તેને સપોર્ટ કરવા સાથે બીજા બે પણ કૂદે. એવી જ રીતે ખુદને બુદ્ધિજીવી સમજતા કેટલાક લોકો ભારત સરકારની વિરુદ્ધ જઈને આ પ્રોફાઇલ પસંદ કરવા લાગ્યા. હા, સરકારની કેટલીક વેપારનીતિ મિત્રો માટે અને ભાજપની લાલ જાજમ બીજી પાર્ટીના ભ્રષ્ટાચાર આચરી ચૂકેલા નેતાઓ માટે ખુલ્લી છે. કોકરોચ જનતા પાર્ટી સિસ્ટમ સામે લડવા માટેની મૂવમેન્ટ છે કે પછી "અબકી બાર ફીર મોદી સરકાર" અંતર્ગત એક રાજકીય વ્યવસ્થા છે, તે પ્રશ્ન થવો હવે સ્વાભાવિક છે.

પહેલો મુદ્દો તો એ કે જે વ્યક્તિ હાલમાં પોતાના દેશમાં નથી રહેતો, અમેરિકાના બોસ્ટનમાં રહીને હજુ પોતાનો બાકી અભ્યાસ પૂર્ણ કરી રહ્યો છે અને જેનઝી નો જાતે બની બેઠેલો બિનઅનુભવી યુવા કે જેને પોતાના દેશમાં ચાલતી પરિસ્થિતિઓની જાણકારી સુદ્ધાં નથી, એ પોતે ઇન્સ્ટાગ્રામના કેટલાક ફોલોઅર્સના જોરે દેશ બદલવાની હાસ્યાસ્પદ વાતો કરે છે. સ્વાભાવિક છે જો ખરેખર દેશ બદલવાની ઇચ્છા હોય તો શા માટે માત્ર એક જ રાજકીય પક્ષનો વિરોધ કરવો? શું બાકીના બધા દૂધે ધોયેલા છે? એના એક વીડિયોમાં યુવાનોને ટાર્ગેટ આપવામાં આવે છે કે હવે આપણે સૌએ બીજેપીના ફોલોઅર્સ ઘટાડવા પર ધ્યાન આપવાનું છે. આવી રીતે એકબીજાના ફોલોઅર્સ વધારી ઘટાડીને દેશ આગળ વધશે? આટલા વર્ષોથી કેન્દ્રમાં બીજેપીની સરકાર છે અને આટઆટલી ઘટનાઓ બની ચૂકી છે તો પછી અત્યારે જ પ્રકાશમાં આવવાનું કારણ શું? આ આખી માયાજાળ કોઈપણ રીતે યુવાનોને વર્તમાન સરકાર, સિસ્ટમ અને સમાજ સામે આક્રોશ વ્યક્ત કરવા ભડકાવવાનું માધ્યમ બનાવાયું હોય એવું પ્રતીત થાય છે. 

મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર વગેરે જેવા મુદ્દાઓથી સૌ કોઈ પીડિત છે જ. તેનો મતલબ એવો તો નથી થતો કે ખોટી મંશા ધરાવતા નુકસાનકારક તત્વોને માથે બેસાડી દઈએ. આજકાલ કોઈ શિયાળ જેવી ચાલાકી કરે છે અને કોઈ કરોળિયાના જાળાની જેમ યુવાનોને ભ્રમમાં ફસાવે છે. આજનો યુવાન ઘણી બાબતોથી હતાશ છે અને એ વાત સાચી પણ છે. પણ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે પહેલા આપણે ભારતીય છીએ. કોઈ પણ પ્રોપેગેંડા, ખોટી વિચારધારા કે નકારાત્મક માનસિકતાથી પ્રભાવિત ન થવું. વિચાર કરો, પ્રશ્ન પૂછો, પણ દેશવિરોધી ન બનવું. રાજકારણમાં કોઈ પણ સંપૂર્ણ સારો કે સંપૂર્ણ ખરાબ નથી હોતો. લોકશાહીમાં આપણે “ખરાબમાંથી સારા”ની પસંદગી કરવાની હોય છે. સરકારને પ્રશ્ન પૂછવો આપણો અધિકાર છે અને દેશ માટે જાગૃત રહેવું પણ આપણી ફરજ છે. સરકારથી નારાજગી હોવી ખોટી નથી. પ્રશ્ન પૂછવો પણ ખોટું નથી. વિરોધ લોકશાહીની શક્તિ છે. પણ વિરોધ એવો હોવો જોઈએ જે દેશને મજબૂત બનાવે, નબળો નહીં.

ભારતના ભવિષ્યની અને યુવાનોની અતિશય ચિંતા કરતાં ધ્રુવ રાઠી, અર્પિત શર્મા અને અભિજીત દિપ્કે અનુક્રમે જર્મની, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં રહે છે, અને ખૂબ આરામદાયક જિંદગી જીવે છે. સોશિયલ મીડિયા, યુટ્યુબ અને ડિજિટલ એન્ગેજમેન્ટ દ્વારા કરોડોની આવક કમાતાં આ ત્રણ અને એના જેવા બીજાઓને ભારતમાં બધી બુરાઈઓ જ દેખાય છે. વિદેશમાં બેઠેલા આવા ઇન્ફ્લુએન્સર્સ માત્ર ઓનલાઈન નેરેટિવ બનાવે છે, અને ભારતના યુવાનોને આંદોલનો કરવા રસ્તા પર ઉતરવા કહે છે. અરે, ભારતની જનતાની એટલી બધી ફિકર હોય તો તમે જ અહીં આવીને આંદોલનો કરો ને. પણ ના, એ તો કરવું નથી. એમણે તો ભારતના મુદ્દાઓ પર વીડિયો બનાવીને લાઇક ઉઘરાવીને, કમેન્ટસમાં ગાળો ખાઈને પણ ડોલર છાપવા છે, બસ આ એક જ એમનો સ્વાર્થ. ભારતમાં બહેતરીની જરૂરત હોવાની બાંગો ફૂંકતા આ લોકોમાંથી કોઈ ભારત આવીને રહેવા તૈયાર નથી. 

સોશિયલ મીડિયા આમના માટે એક બિઝનેસ પ્લેટફોર્મથી વિશેષ નથી. જેટલું વધુ એન્ગેજમેન્ટ, એટલી વધુ કમાણી. વિવાદ, ગુસ્સો અને રાજકીય ધ્રુવીકરણ આજે સૌથી વધુ વેચાતી વસ્તુઓ બની ગઈ છે. તેથી યુવાનોએ કોઈ પણ ઇન્ફ્લુએન્સર કે રાજકીય કમેન્ટેટરની વાત અંધપણે માનવાની જગ્યાએ એ પણ સમજવું જોઈએ કે તેની પાછળ આર્થિક અને વ્યક્તિગત ફાયદાનો કેટલો મોટો ખેલ હોઈ શકે છે. લોકશાહીનો અર્થ અંધ વિરોધ કે અંધ સમર્થન નથી. ઉપરના ત્રણ અને એના જેવા બીજાઓ જો ભારતની વ્યવસ્થા પર સવાલ ઉઠાવે છે, તો તેમણે તેના વિકલ્પ પણ આપવા જોઈએ. વર્તમાન સરકારના રાજમાં દેશ બરબાદ થઈ રહ્યો છે, એવો રાડાકૂટો મચાવતી આ પ્રજા એ પણ જણાવે કે જ્યાં પ્રાદેશિક પક્ષોની સરકારો છે એવા રાજ્યોમાં શું સિંગાપોર-હોંગકોંગ બની ગયા છે? અને શું અગાઉની સરકારોના સમયમાં આખા દેશમાં રામ રાજ્ય જ હતું? એટલે જ, ભારતીયોએ પોતાની અક્કલ લગાવીને જાતે અભિપ્રાય બાંધવા જોઈએ, સાત સમંદર પાર બેઠેલા કોઈ વિદેશી ઈન્ફ્લુએન્સર્સ તો ગમે તે બોલ્યા કરે. ત્રણેયના કોઈને કોઈ પોલિટિકલ કનેક્શન છે, એટલે શુદ્ધ રાષ્ટ્રભાવનાથી તેઓ આમ કરે છે એ તો બિલકુલ બને જ નહિ.

બીજી તરફ એવો પણ મત છે કે, હવે આ મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયો છે. નેપાળમાં અને બાંગ્લાદેશમાં જે રીતે જેનઝી આંદોલન થયું તેમાં સ્થાનિક સ્થિર સરકાર સામે યુવાનોનો આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, મહિલા અનામત, સામાજિક અનામત, સુરક્ષા અને સુવિધાનો અભાવ, પરિવારવાદ અને સામાજિક, આર્થિક અને રાજકીય મુદ્દે જેનઝીનો આક્રોશ ફાટ્યો અને તેમણે સરકાર ઉથલાવી દીધી. તેવી જ રીતે ભારતમાં હાલમાં ભાજપની જે સ્થિર સરકાર છે તેની સામે પણ આવી અવિચારી ક્રાંતિ કરાવવાનું આયોજન હોય તેમ લાગી રહ્યું છે. જાણકારો માને છે કે, ભારતમાં છેલ્લાં કેટલાય સમયથી સ્થિર સરકાર ચાલી રહી છે. આ સંજોગોમાં ભાજપને ઉથલાવવા માટે પ્રજાનો આક્રોશ ફાટી નીકળે તેવી કામગીરી કરવી જોઈએ એવા વિચાર સાથે વિદેશી તાકાતો નેપાળ અને બાંગ્લાદેશની જેમ ભારતને પણ નબળું પાડવાની ફિરાકમાં હોવાનું માનવામાં આવે છે. જાણકારોના મતે ચીન અને અમેરિકા દ્વારા બાંગ્લાદેશ અને નેપાળની ક્રાંતિમાં પરોક્ષ રીતે ભૂમિકા ભજવવામાં આવી હોઈ શકે છે. તેવી જ રીતે હવે ભારતમાં આવી કોકરોચ ક્રાંતિ કરાવીને અહીંયા અસ્થિરતા લાવવામાં આવે જેથી સ્થિર સરકાર જતી રહે અને નવી સરકાર પહેલેથી તેમના એજન્ડા પ્રમાણેની આવે. ભાજ૫રાજમાં બેરોજગારી, મંદી, મોંઘવારી, ગરીબી, ભ્રષ્ટાચાર વધ્યા છે તેવું પ્રજાને સતત જણાવાઈ રહ્યું છે. તેઓ કશું નહીં કરે તો દેશની સ્થિતિ વધારે વકરી જશે તેવો ભ્રમ ફેલાવાઈ રહ્યો છે. આ રીતે સ્થિર સરકાર અને સક્ષમ દેશને તોડી પાડવાની કામગીરી કરાતી હોવાનો પૂરો આભાસ થાય છે.

Comments

Popular posts from this blog

Union Budget 2026–27: Growth with Fiscal Prudence at the Core

મિડિયા: હેડલાઈન vs બેડલાઈન

અનંત અંતરિક્ષના મૂંઝવતા પ્રશ્નનું અનંત નિરાકરણ