ભારતમાં એક્ઝામિનેશન સિસ્ટમ છે, એજ્યુકેશન સિસ્ટમ નથી



અત્યારના સમયમાં નાગરિકોની સાથે વિદ્યાર્થીઓના માથાનો પારો પણ ઊંચે ચડવા લાગે છે. કેમ કે આવા સમયમાં લગભગ દરેક વિદ્યાર્થીની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી હોય છે. આવનારી પરીક્ષા માટે વાંચનનો મેળ કરવો કે પછી આઇપીએલમાં કઈ ટીમને સપોર્ટ કરવો વગેરે. આની વચ્ચે તે તેના મિત્રને પૂછી નાખે છે, તારે કેવા પેપર જાય છે? મારે તો એકદમ સરસ જાય છે. ને એમાં પણ આ ત્રણ પેપરમાં મારે આટલા માર્ક્સ આવશે. આ બધાની સાથે સાથે, અરે ધૈર્ય! તને ખબર છે ગઇકાલે કોલકાતાએ પંજાબને શું હરાવ્યું છે કે વાત જ જવાદે. પણ યાર આ ચેન્નઈ સુપર કિંગ્સે આ વખતે કેપ્ટન બદલવાની જરૂર ન હતી. એવામાં નિકુંજ બોલી ઉઠ્યો કે આપણે આ સૌરવ ગાંગુલીને પત્ર દ્વારા રજૂઆત કરવી જોઈએ કે પરીક્ષાના સમય દરમિયાન આઇપીએલનું આયોજન જ ન કરે.

આ બંને વાતો કરતા હતા ત્યાં અનિકેત આવીને વચ્ચે બોલ્યો, આ પરીક્ષાને આઇપીએલ સાથે સરખાવીએ તો કેવું? એક મેચમાં 20-20 ની બે ગેમની જેમ 50-50 માર્કસના પેપરના બે ભાગ કરી દેવાના, દર 20 માર્કે 10 મિનિટનો એક બ્રેક આપવાનો, મેચમાં પાવર પ્લેની જેમ શરુઆતનો અડધો કલાક કોઈ સુપરવાઈઝર જ નહીં ક્લાસરૂમમાં. ખેર! Jokes apart. આજનો મુદ્દો તો એવો છે કે જે ઘણા વર્ષો અગાઉ ચર્ચાઇ જવો જોઈતો હતો. ચર્ચાઓ તો ખૂબ થઈ, હજુ આજે પણ થાય જ છે - ઘરે ઘરે થાય છે, પાનના ગલ્લે થાય છે, ચૂંટણીઓ વખતે થાય છે. પણ આપણે તે બધી ચર્ચાઓને ત્યાં સુધી જ રાખી. આપણે સુધારો લાવવાની માત્ર ડંફાસો જ મારી. પરિણામે પરિણામ આજ સુધી શૂન્ય જ રહ્યું. જે પરિબળનો રાષ્ટ્રના વિકાસમાં ખૂબ જ અગત્યનો ફાળો હોય તેને જ શરૂઆતથી લઈને આજ સુધી નજર અંદાજ કરવામાં આવ્યું ને આવી રહ્યું છે. શિક્ષણ નામનું હથિયાર જે દેશ પાસે શક્તિશાળી હોય તેને આગળ વધતા રોકવો અસંભવ છે. જેમાં આપણે સૌ ટોચના બંધારણીય પદો પર રહેલા વ્યક્તિઓથી લઈને સ્કૂલના પ્રિન્સિપાલ / શિક્ષકો સુધીના બધા જ થાપ ખાઈ રહ્યા છીએ. પરિણામે વર્ષોની ભૂલોના કારણે આજે એવી પરિસ્થિતિ સર્જાયેલી છે કે જેનો ભોગ આજનો વિદ્યાર્થી બને છે. ગમે તેટલી 3 ઇડિયટ્સ જેવી ફિલ્મો બનાવી લઈએ પણ સમાજ અને સિસ્ટમની આંખ પર જે પટ્ટી બંધાયેલી છે તે હટવાનું નામ જ નથી લેતી. હા, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 આવી એનો આદર સ્વીકાર. પરંતુ તેનું આઉટપુટ આવતા તો હજુ એકાદ દસકા જેટલો તો સમય લાગવાનો જ. કારણ કે જે દર દસ વર્ષે કામ થવું જોઈતું હતું તે 75 વર્ષમાં ફક્ત ત્રણ વાર જ થયું. 

"ભારતમાં એક્ઝામિનેશન સિસ્ટમ છે પરંતુ એજ્યુકેશન સિસ્ટમ નથી" આપ જાણો છો આ વાત કોણે કોને કહી હતી? ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી મનમોહન સિંહને ખુદ એમના સાયન્ટિફિક એડવાઈઝર ચિંતામણી નાગેશ રામસેતુ રાવ ઉર્ફે સી.એન.આર. રાવ સાહેબે કરી હતી, વડાપ્રધાનને લખેલા એક પત્ર દ્વારા. બાદમાં આ પત્ર એ ખૂબ વ્યાપક ચર્ચા જગાવી. પત્રની આટલી ચર્ચા થવાનું કારણ તે જેના દ્વારા લખાયેલો હતો એ વ્યક્તિ ખુદ હતા. રાવસાહેબ ભારતના ખ્યાતનામ વૈજ્ઞાનિક છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરનાર, યુએસથી ડોક્ટરેટનો (PhD) અભ્યાસ, IIT કાનપુરના કેમેસ્ટ્રી વિભાગના હેડ રહી ચૂકેલા અને દસ વર્ષ સુધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સિસ (IISc) જેવી ઉત્કૃષ્ટ સંસ્થાના સર્વોચ્ચ વડા રહેલા. આ ઉપરાંત રાવસાહેબ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ ફેકલ્ટી રહી ચૂક્યા છે. આ ધુરંધર વ્યક્તિએ વડાપ્રધાનને લખેલા પત્રમાં રોષ ઠાલવ્યો છે. એ પત્રમાં લખેલું હતું, "We (India) is having an examination system but not an education system. When young people stop taking / giving exams and do something worthwhile ? (ક્યારે આ દેશનું યૌવન સતત પરીક્ષાઓ આપવામાંથી મુક્ત થઈ, વાસ્તવમાં કશુંક ઉત્તમ - અગત્યનું કામ કરી બતાવશે?)"

અમેરિકામાં હાઇસ્કૂલ પાસ કરનાર વિદ્યાર્થીઓને જે તે કોલેજમાં એડમિશન મેળવવા માટે દેશભરમાં એમની રિઝનિંગ લોજિક જેવી વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતા માપતી એક જ પરીક્ષા લેવામાં આવે છે. જે 'સેટ (SAT)' તરીકે ઓળખાય છે અને છેલ્લા લગભગ 96 વર્ષોથી એટલે કે 1926 થી લેવામાં આવે છે. આપણા જેવું તો નથી જ કે દેશની ઉત્કૃષ્ટ શિક્ષણ સંસ્થા માટે JEE અને અંતર રાજ્યની કોલેજો માટે વળી બીજી પરીક્ષા. એટલે આમ જોવા જઈએ ને તો આપણા દેશનો યુવાન એની યુવાનીનો ઘણોખરો ભાગ એક પછી એક પરીક્ષાઓ આપવામાં જ વિતાવે છે. એક પરીક્ષા પૂરી કરે ત્યાં બીજી પરીક્ષા આવીને ઊભી રહે. અમુક સમયે તો હાલત કંતાયેલા કોથળા જેવી થઈ જાય છે. આજે તો પરિસ્થિતિ એવી છે કે નાના બાળકો સિવાય કોઈ પાસે વેકેશન જ નથી. બધા જ નેક્સ્ટ કોર્સ, નેક્સ્ટ એક્ઝામ વગેરેની પાછળ સતત વળગેલા દેખાય છે. સતત ભીડમાં ચાલશું તો બીજાના ઠોંસા - ધક્કામુક્કી ખાઈને અને એમાંય આ 43 ડિગ્રી તાપમાનમાં શેકાઈને આપણું ખુદનું સંતુલન જાળવતા જાળવતા થાક તો લાગશે જ ને... એટલે કહેવાનો મતલબ પરીક્ષાને સાવ નાબૂદ નથી કરવાની પણ નિયંત્રણમાં લાવવાની છે. 

આ ઉપરાંત તે પત્રમાં રાવસાહેબે ચોખ્ખું લખી નાખ્યું કે, "ભારતની એક પણ એવી શિક્ષણ સંસ્થા નથી કે જે આધુનિક વિકસિત દેશોની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓની સમકક્ષ મુકાબલા માટે ઊભી રહી શકે." તેથી જ તો આપણું યુવાધન વિદેશ અભ્યાસ માટે જાય છે અને પછી ત્યાં જ સેટલ થઈ જાય છે. અહીં ન રહેવાનું મુખ્ય કારણ, પૂરતો અવકાશ જ નથી. આખી સિસ્ટમને જ જડમૂળથી ઉખેડી નાખવાની જરૂર છે અને તેના સ્થાને ત્વરિત નવી શિક્ષણ વ્યવસ્થા કે જે સૌથી પહેલા વિદ્યાર્થીઓને અને તેના વાલીઓને સમજમાં આવે. ત્યારબાદ શિક્ષણવિદો અને કહેવાતા રાજકીય ગુરુઓને પલ્લે પડે. 

"સા વિદ્યા યા વિમુક્તયે" - અર્થાત, મુક્તિ આપે એ જ વિદ્યા. આ સૂત્રને આપણે માત્ર શાળા - કોલેજોની દીવાલો પર જ ટાંગ્યુ છે. આપણે એ સુત્રને જ મુક્તિ આપી દીધી છે. એ સુત્રનો જ દેશનિકાલ કરી દીધો છે. ન તો મુક્ત થયા આપણે કે ન મુક્ત થયું શિક્ષણ. કોઈ ટેક્નોલોજી આપણને જોતી હોય તો આપણે બીજા દેશો સાથે  અલગ અલગ કરાર અંતર્ગત મેળવીએ છીએ. તો શું આપણે શિક્ષણ વ્યવસ્થાને બદલવા માટે એકાદ - બે દેશોનું ઉદાહરણ પણ ન લઈ શકીએ? અત્યારે જગતની સૌથી સારી એટલે કે નંબર 1 શિક્ષણ વ્યવસ્થા સાથે ફિનલેન્ડ સૌથી સર્વોચ્ચ સ્થાન ઉપર છે. જે દેશમાં બાળકની સ્કૂલિંગની શરૂઆત સામાન્ય રીતે 7 વર્ષથી કરવામાં આવે છે, નહીં કે આપણી જેમ બાળકની ઉંમરના ત્રીજા કે પાંચમા વર્ષથી જ અને તેમાં પણ શરૂઆતના એકથી બે વર્ષ તો પ્રાથમિક શિક્ષણ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. રહી વાત પરીક્ષાની તો જ્યાં સુધી બાળકનું સ્કુલિંગ ચાલે ત્યાં સુધીમાં માત્ર બે જ પરીક્ષા આપવાની. જ્યારે આપણે અહીં સ્કૂલબેગ ને હોમવર્ક નો ભાર ઓછો હોય તેમાં વળી પરીક્ષા ના બોજ નીચે બાળકો સાવ દબાઈ જાય. (ફિનલેન્ડમાં સ્કુલિંગ માં બાળકો ને હોમવર્ક આપવામાં આવતું નથી.) ક્લાસરૂમમાં પણ એમને મનગમતી પ્રવૃતિઓ કરવાની છૂટ અને દર 45 મિનિટના એક લેકચર પછી 15 મિનિટનો એક નાનો બ્રેક. સાઇકોલોજી અનુસાર કોઈપણ વ્યક્તિ 45 મિનિટથી વધુ કોઈ એક વિષય કે વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. આમાંથી આપણે કંઈ પણ આપણી સ્કૂલ કે કોલેજોમાં અમલ નથી કરાવતા. 

આમ, કોઈ એક વસ્તુની પાછળ આંધળી દોટ મૂકવાના લીધે ઘણા અગત્યના ક્ષેત્રોના ઝરણાં આ તેજીની ગરમીમાં સુકાઈ જાય છે. જેનો આપણને લગીરે ખ્યાલ આવતો નથી.

Comments

Popular posts from this blog

Union Budget 2026–27: Growth with Fiscal Prudence at the Core

મિડિયા: હેડલાઈન vs બેડલાઈન

અનંત અંતરિક્ષના મૂંઝવતા પ્રશ્નનું અનંત નિરાકરણ