તેલ લઈને નીકળેલા જહાજનું પૃથ્વીને, ‘તેલ લેવા જા!’


જે ન કશામાં જડે એ નકશામાં જડે. જગતનો નકશો ખોલીને જોતા એમાં મધ્ય-પૂર્વમાં કુહાડીના ફરસા જેવો આકાર જોવા મળશે. એવો આકાર ધરાવતો એ દેશ એટલે ઈરાન. કુહાડીમાંથી હાથો (હેન્ડલ) કાઢી નાખો તો જે એનું લોખંડનું પાનું વધે એને સંસ્કૃતમાં પરશુ અને એના પરથી ગુજરાતીમાં ફરસી કહેવાય. આ ‘નકશો’ શબ્દ પણ ઈરાની/ફારસી જ છે. ઇરાનનું બીજું નામ ‘પર્શિયા’ છે જે એમની મૂળ ફારસી ભાષામાં ફારસા હતું પણ લેટિન ભાષાના વિદ્વાનોએ એને પર્શિયા કહ્યું. આમ, એ પ્રદેશના ફરસી જેવા આકારને લીધે એને ફારસ તેમજ પર્શિયા જેવા નામ અપાયા અને એની ભાષાને ફારસી કહેવાઈ. આ પરથી ત્યાંના લોકોને ફારસી/પારસી તરીકે ઓળખવામાં આવે છે. 


ખેર, આ તો થયો ઈરાનનો અડછતો પરિચય. પરંતુ આજે વાત આ બધી નથી કરવાની. વાત છે ઈરાનને અડીને આવેલી હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા જહાજોની. કે જ્યાંથી દુનિયાનું 34% (રોજનું આશરે 20 મિલિયન બેરલ એટલે કે 2 કરોડ બેરલ) જેટલું કાચું તેલ પસાર થાય છે. જેના માટે ખૂબ મોટા ગંજાવર કદના તેલવાહક જહાજોનો ઉપયોગ થાય છે. 


એક સમસ્યાનો નીવેડો લાવવા જતાં બીજી વધુ જટિલ સમસ્યા ખડી થાય એવું સૌથી વધુ પર્યાવરણના ક્ષેત્રે વારંવાર બને છે. જેમ કે વૃક્ષોનો ભોગ લેતા કાગળનો વપરાશ ઘટાડવા પ્લાસ્ટિકની કોથળી વાપરો તો એ જમીનનું પ્રદૂષણ કરે છે, કેમ કે પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ નથી. ખેતરમાં ઉગેલી ફસલોને જીવાતથી બચાવવા માટે DDT વાપરો તો એ કેમિકલ પરાગનયન દ્વારા પાકમાં બરકત લાવતાં જીવડાંને પણ મારી નાખે છે. હવાનું પ્રદૂષણ ટાળવા માટે સર્જાયેલી ઇલેક્ટ્રિક કાર સામાન્ય રીતે જે થર્મલ વીજળીનો ઉપયોગ કરે તેના ઉત્પાદનમાં મોટે ભાગે કોલસો વપરાયો હોય છે અને કોલસો હંમેશાં પેટ્રોલ કરતાં ઘણું વધુ પ્રદૂષણ ફેલાવે છે. આ જાતનું દુષ્ચક્ર તેલવાહક જહાજોની બાબતમાં પણ જોવા મળ્યું. એક જ પઠાણ/પડખું ધરાવતાં જે તેલવાહક જહાજો શરૂઆતના સમયમાં બન્યાં તેઓ આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ તેમની મુદત પાકતાં હિટ લિસ્ટ પર મૂકાયાં અને બાંગલાદેશ તેમજ ભારત જેવા દેશોના ભંગારવાડે ગયાં અને ત્યાં તેમણે ભાંગેલા જહાજોના અલગ અલગ પદાર્થો વડે પ્રદૂષણ ફેલાવ્યું. લગભગ 250 જેટલાં આવાં જહાજોને ફરજિયાત એટલા માટે નિવૃત્ત કરાયાં હતા કે તેઓ સિંગલ પઠાણનાં/પડખાંના હોવાને લીધે સમુદ્રી અકસ્માત વખતે તેમનું લાખો બેરલ ખનિજ તેલ દરિયામાં ઢોળાતાં પ્રદૂષણ ફેલાવાનું જોખમ હતું. એક સંભવિત પ્રદૂષણનું સ્થાન ટૂંકમાં બીજા નિશ્ચિત પ્રદૂષણે લીધું. 



આ સમસ્યાને ઉજાગર કરતી અને તેના નિમિત્તરૂપ ઘટના 1989 ના વર્ષે બની, જ્યારે ‘એક્ઝોન વાલ્ડેઝ' નામનું તેલવાહક જહાજ અલાસ્કાના કાંઠે ખરાબે ચડ્યું અને તેનો 34,000 ટન ખનિજ તેલનો કદડો અનેક ચોરસ કિલોમીટરમાં સમુદ્ર પર ફરી વળ્યો. દરિયાનાં અનેક જળચરો કરોડોની સંખ્યામાં માર્યાં ગયાં. ભૂતકાળમાં આવા ઘણા અકસ્માતો થયા હતા અને સમુદ્રી જીવસૃષ્ટિને નુકસાન થયું હતું. વિરાટ તેલવાહક જહાજ કલાકના આશરે ત્રિસેક કિલોમીટરની ઝડપે પ્રવાસ ખેડતું હોય ત્યારે પાણી બહાર ડોકાતા ખરાબા દેખાયા પછી (કે સોનાર દ્વારા સાગરતળિયું વધુ પડતું છીછરૂં જણાયા પછી) જહાજને બ્રેક માર્યા છતાં તે સામાન્યરીતે પાંચ-સાત કિલોમીટરનું અંતર કાપી નાખે, માટે ભવિષ્યમાં પણ આવા બીજા અકસ્માતો થાય એ નક્કી હતું. આથી પર્યાવરણના ઝૂંબેશકારોએ તેલવાહક જહાજોની ડિઝાઇન બદલવા પર ભાર મૂક્યો. એક જ પડખાનું જહાજ એટલે સમુદ્રને તથા ફાલકામાં ભરેલા ખનિજ તેલને એકમેકથી વેગળા રાખતું પોલાદનું એક જ પડ હોય, જે આકસ્મિક રીતે ક્યારેક ચીરાયા પછી તેલના ગળતરને કોઈ પણ રીતે રોકી શકાય નહિ. જહાજનું માળખું વળી એવું કે તેમાં ભરાતા સરેરાશ દર 6 ટન ખનિજ તેલ દીઠ જહાજના બાંધકામમાં ફક્ત 1 ટન પોલાદ વપરાતું હતું. 


પર્યાવરણની સુરક્ષાના તરફદારોએ ‘એક્ઝોન વાલ્ડેઝ’ના અકસ્માત પછી સેન્ડવિચ જેવી ગોઠવણ ધરાવતાં બેવડું પડ ધરાવતાં તેલવાહક જહાજો બાંધવા માટે ઝૂંબેશ આરંભી. નવાઇ એ છે કે ઘણાં માલવાહક જહાજો ત્યારે બેવડા પઠાણનાં બનતાં હતાં, પણ તેલવાહક જહાજ તો એકેય નહિ. પર્યાવરણના આંદોલનકારોની ઝૂંબેશ ફળી અને 1992 માં જગતના 130 દેશોએ એકવડા પઠાણનાં બધાં તેલવાહક જહાજોને 2015 સુધીમાં ભંગારવાડે મોકલી દેવાનું નક્કી કર્યું. જહાજનું બાંધકામ થયાના વર્ષને અનુલક્ષી ક્રમિક નિવૃત્તિનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો. વચગાળાના સમયમાં જો કે તેલવાહક જહાજોની મધદરીયે થતી હોનારતોનું પ્રમાણ વધ્યું, એટલે ડેડલાઇનનું વર્ષ આગળ ખસેડી 2010 નું કરવામાં આવ્યું. પરિણામે જે તેલવાહક જહાજો શરૂઆતના અરસામાં બંધાયાં હોય તેમણે વહેલાં અલંગ જેવા ભંગારવાડે જવાનો વખત આવ્યો. એક્સ્પાયરી ડેટે પહોંચેલાં આવાં જહાજોની સંખ્યા લગભગ 250 જેટલી હતી અને તોડફોડ વખતે તેમણે દરિયાકાંઠે ફેલાવેલું પ્રદૂષણ પણ ગજબનું હતું. 


શિપ-બ્રેકિંગ યાર્ડના હવાલે થતું મધ્યમ કદનું તેલવાહક જહાજ સ્વાભાવિક રીતે ખાલી હોય, પરંતુ ખાલી એ દૃષ્ટિએ કે તેમાં માલરૂપી પેટ્રોલિયમ હોતું નથી. પ્રદૂષણ ફેલાવનારા પદાર્થો અનેક હોય છે અને તે પણ જેવાતેવા હાનિકર્તા નહિ. દાખલા તરીકે એન્જિન ફરતે ઇન્સ્યુલેશન માટે વપરાતું એસ્બેસ્ટોસ કેન્સરકારક છે. રેફ્રિજરેશન માટેનો (આજે પ્રતિબંધિત ઠરેલો, પણ જહાજના બાંધકામ સમયે વર્ષો પહેલાં વપરાયેલો) ક્લોરોફ્લોરોકાર્બન/CFC વાયુ પૃથ્વીના ઓઝોન પડને કોરી ખાય છે. ફ્યૂલ ઑઇલ તથા બીજો કદડો ભંગારવાડાના તટવર્તી સમુદ્રનું પ્રદૂષણ કરે છે. જહાજની પાણીમાં ડૂબેલી રહેતી સપાટી પર બાર્નેકલ્સ નામની પ્લેટો લગાવી તેની ગતિને ન અવરોધે તે માટે ત્યાં લગાડવામાં આવતા પેઇન્ટમાં ટ્રાઇબ્યુટિલ્ટિન/TBT તરીકે ઓળખાતું ઝેરી કેમિકલ હોય છે. વિદ્યુત એનોડમાં વપરાતું સીસું અને કેડમિયમ પણ મનુષ્યના જ્ઞાનતંત્રને નુકસાન પહોંચાડે છે. સેંકડો પૈકી દરેક કેપેસિટરમાં રહેલું સરેરાશ 14 ગ્રામ પોલિક્લોરિનેટેડ બાયફિનોલ/PCB પણ ભારોભાર કેન્સરકારક છે. આ બધા જોખમી પદાર્થોનો અમુક જથ્થો સાગરકિનારાની રેતીમાં પચી વરસાદી પાણીના ભૂગર્ભ ઝરા ભેગો અંતે સમુદ્રમાં જાય છે અને સેંકડો ચોરસ કિલોમીટરના તટવર્તી સમુદ્રને સંપૂર્ણ રીતે ‘ડેડ ઝોન’ બનાવી દે છે. 


આ જાતના થતા બેફામ પ્રદૂષણને 2005-6 માં ફક્ત એ વાત પર સાંખી લેવાયું કે એકવડા પઠાણનાં તેલવાહક જહાજોનો સંભવિત અકસ્માત ખનિજ તેલ વડે સમુદ્રનું પ્રદૂષણ કરે નહિ. અકસ્માત વર્ષમાં ક્યારેક બને કે ન પણ બને, પણ તેલવાહક જહાજોની તોડફોડ વખતનું પ્રદૂષણ તો વર્ષભર થતું રહે છે. બકરૂં કાઢવા જતાં ઊંટને તેડું મળ્યું છે એના જેવી હાલત અત્યારે છે. 

Comments

Popular posts from this blog

Union Budget 2026–27: Growth with Fiscal Prudence at the Core

મિડિયા: હેડલાઈન vs બેડલાઈન

અનંત અંતરિક્ષના મૂંઝવતા પ્રશ્નનું અનંત નિરાકરણ