ઉકળતી દુનિયા અને ઠંડી પડતી માનસિકતા


કચ..કચ..કચ.. કેટલી ગરમી છે. એપ્રિલ મહિનામાં આટલી ગરમી છે તો મે મહિનામાં કેટલી હશે? જેઠાલાલનો આ ડાયલોગ આટલી ગરમીમાં માથા પરથી સરકતા પરસેવાના ટીપાની સાથે ચહેરા પર સ્મિત લાવી દે છે. પણ આ યાદ આવવાનું કારણ એ કે અત્યારે લગભગ તમામ સમાચાર માધ્યમોના મથાળાં નીચે મુજબનાં લખાણોથી ભરચક્ક હોય છે. ‘ગરમીએ માર્ચમાં 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો: હિટવેવની આગાહી', 'માર્ચમાં તાપમાન સરેરાશ કરતાં ઘણું વધારે રહ્યું, વરસાદ પણ 71 ટકા ઓછો પડ્યો', 'ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ: લાલચોળ ગરમી પડશે, માનવજાત બફાશે', 'જળસ્તર વધતાં ગુજરાતમાં 539 કિમીમાં દરિયાના પાણી ઘુસ્યા', 'બેકાબૂ બની રહેલા તાપમાનના કારણે દેશને તેમજ સમગ્ર વિશ્વને માઠા પરિણામો ભોગવવા પડશે', 'વરસાદના આહલાદક મોસમના સ્થાને ભીષણ ગરમીનો માર' વગેરે વગેરે જેવી ગંભીર ઉપાધિઓનું પોટલું લઈને દૈનિક સમાચારપત્રોમાં પ્રગટ થતી હેડલાઈનો સમગ્ર માનવજાત માટે હવે આમ માત્ર બની ગઈ છે. એક રિપોર્ટ પ્રમાણે 1970 થી 2000 ના સમયગાળા દરમિયાન દર વર્ષે 90 થી 100 જેટલી જ દુર્ઘટનાઓ બનતી. 1990ના દાયકામાં આ બધી દુર્ઘટનાઓના કારણે વર્ષે 7000 કરોડ ડોલરનું નુકસાન થતું, પરંતુ છેલ્લા એક દાયકામાં દર વર્ષે સરેરાશ 17000 કરોડ ડોલરનું નુકસાન થયું છે. પરિસ્થિતિ બગડતી જાય છે એ જોતાં 2030 સુધીમાં દર વર્ષે 560 મોટી દુર્ઘટનાઓ બનતી હશે. 

United Office For Disaster Risk Reduction (યુએનડીઆરઆર) દ્વારા ક્લાઈમેટ ચેન્જ અને વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગ પર ગ્લોબલ એસેસમેન્ટ રિપોર્ટ બહાર પડાયો છે. આ રિપોર્ટમાં આગાહી કરાઇ છે કે, 'અત્યારની ગરમી તો પાશેરામાં પહેલી પૂણી છે.' ભારતમાં અત્યારે ઉનાળામાં 44-45 ડિગ્રી તાપમાન સામાન્ય થઈ ગયું છે. હવે પછીના એક દાયકામાં એવી અસહ્ય ગરમી પડશે કે જે 47 ડિગ્રીની આસપાસ હશે. આ રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ વોર્મિંગના કારણે વિશ્વમાં સતત દુર્ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. હજુ તેમાં પણ ઉછાળો આવશે. ગ્લોબલ વોર્મિંગની અસર ભારત સહિતના વિકસી રહેલા દેશોને સૌથી વધારે થાય છે. ભારત સહિતના દેશોના જીડીપીમાં દર વર્ષે 1.6 ટકા જેટલો આર્થિક ફટકો પડે છે. આ ઉપરાંત દુકાળનું પ્રમાણ 30 ટકા જેટલું વધશે. છેવટે આ તમામ પરિબળો દેશના અર્થતંત્ર માટે પણ એટલા જ પ્રમાણમાં નુકશાનકારક પુરવાર થાય છે. 

આ ઉપરાંત બાકુ, અઝરબૈજાન સ્થિત World Meteorological Organization (WMO) (વૈશ્વિક હવામાન સંસ્થા) દ્વારા તાજેતરમાં જ તેનો રિપોર્ટ જાહેર કર્યો કે વર્ષ 2024 પૃથ્વી પરનું અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હતું. ન માત્ર 2024 જ, પરંતુ 2024 ની શરૂઆતે 2023 નું વર્ષ પૃથ્વી પરના સૌથી વધુ ગરમ વર્ષ તરીકેની ઓળખ ધરાવતું હતું. આવું આજકાલનું નહિ પરંતુ કેટલાય વર્ષોથી ચાલી રહ્યું છે. દરેક નવું વર્ષ તેની પાછળના વર્ષ પાસેથી ગ્લોબલ વોર્મિંગનો સરતાજ પોતાના નામે કરતું જાય છે. આ બધું માત્ર વૈશ્વિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે જ થાય છે અને એની જ નોંધ લેવાય છે એવું નથી. આપણું ગુજરાત પણ આમાંથી બાકાત નથી. 

ગરમી વધતા હિમખંડો પણ ઝડપથી ઓગળવા લાગ્યા છે. જેથી દરિયાના પાણીનું સ્તર પણ વધે છે. આખા ભારતમાં ગુજરાતના દરિયાકાંઠા પર સૌથી વધુ અસર જોવા મળી રહી છે. ગુજરાતના ટોટલ દરિયાકિનારાના લગભગ 539 કિમીમાં દરિયાના પાણી ઘુસ્યા છે. ટૂંકમાં ગુજરાતનો દરિયાકાંઠો માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યો છે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સે લોકસભામાં રિપોર્ટ રજૂ કર્યો છે કે, વાયુમંડળમાં ગરમી ઉત્પાદિત કરતાં ગેસના ઉત્સર્જન ના લીધે દુનિયાભરમાં તાપમાન વધી રહ્યું છે, પરિણામે સમુદ્રની જળસપાટી વધી રહી છે. વિશ્વભરમાં દરિયાઈ જળ સ્તર વધી રહ્યું છે. ગુજરાત સહિતના દેશના દરિયાકાંઠાના વિસ્તારો પર રાષ્ટ્રીય તટિય અનુસંધાન કેન્દ્ર, ચેન્નઈ વર્ષ 1990 થી રિમોટ સેન્સિંગ ડેટા અને જીઆઈએસ મેપિંગ ટેકનિકથી નજર રાખી રહ્યું છે. દેશના 6907 કિમી દરિયાકાંઠા વિસ્તારનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે, 34 ટકા કાંઠે જળસ્તર અલગ છે, 40 ટકા જળસ્તર સ્થિર છે અને 26 ટકા દરિયાઈ વિસ્તારમાં જળસ્તર વધવા પામ્યું છે. ગુજરાતમાં 27 ટકા દરિયાકાંઠાના વિસ્તારોમાં જળસ્તરમાં વધારો થયો છે. એટલે કુલ મળીને 537.5 કિમી વિસ્તારમાં દરિયાના પાણીનું સ્તર વધ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વિસ્તારોમાં 2 મીટર સુધી જળ સ્તર વધી શકે છે. ગુજરાતમાં કંડલા, ઓખા, ભાવનગર, ભરૂચ, સુરત અને દહેજ સહિતના વિસ્તારોમાં વધુ અસર જોવા મળી શકે છે. દેશમાં કુલ મળીને 6907.18 કિમી તટીય વિસ્તાર પૈકી 2318.31 કિમી વિસ્તારમાં દરિયાના પાણી આગળ વધ્યા છે. બીજા એક રિપોર્ટ અનુસાર છેલ્લા દોઢ સો વર્ષમાં દિલ્હીના તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસ અને કોલકાતાના તાપમાનમાં 1.2 ડિગ્રીનો વધારો થઈ ગયો છે. એ જ રીતે મુંબઈ અને ચેન્નઈમાં પણ તાપમાન વધી રહ્યું છે. કલાઇમેટ ચેન્જના મૂળ રાજકારણ અને કોર્પોરેટ જગતની સાંઠગાંઠ સાથે પણ જોડાયેલા છે. દેશના મોટા મોટા ઉદ્યોગો વેપાર વધારવાના ચક્કરમાં જંગલોનો આડેધડ સફાયો કરી રહ્યા છે. આડેધડ થતા ખાણકામે પણ જંગલોને સારું એવું નુકસાન પહોંચાડ્યું છે.

વન્ય જીવોનાં સંરક્ષણ માટે વૈશ્વિક ધોરણે કાર્ય બજાવતી વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફન્ડ (ટૂંકમાં WWF) સંસ્થાએ હિમાલયની પીગળતી હિમસરિતાઓ વિશે થોડા સમય પહેલા એક રીપોર્ટ પ્રગટ કરેલો. વૈજ્ઞાનિક રીપોર્ટ પર્યાવરણને લગતો હોય તો સ્વાભાવિક રીતે તે ચિંતાજનક હોય. WWF નો રીપોર્ટ પણ પ્રકૃત્તિવિદોને ચિંતા કરાવે તેવો છે. હિમાલયની પર્વતમાળામાં હજારો હિમનદીઓ આવેલી છે, જેમનો કુલ વિસ્તાર લગભગ 37,000 ચોરસ કિલોમીટર જેટલો થાય છે. WWF ના મતે આ વિસ્તાર પૈકી 67% જેટલા વિસ્તાર પર ગ્લોબલ વૉર્મિંગની માઠી અસરો જોવા મળી છે. પૃથ્વીના વધતા સરેરાશ તાપમાનને લીધે બરફ ક્રમશઃ પીગળતો જાય છે અને હિમ-નદીઓ ખૂબ જ ઝડપથી પોતાનું કદ (વિસ્તરણ) સંકોચી રહી છે. સફારીના અભ્યાસ પ્રમાણે ગંગા નદીનું ઉદ્દગમસ્થાન ગંગોત્રી વાર્ષિક 23 મીટર લેખે સંકોચન પામી રહી છે. પ્રસ્તુત લેખ માટે સફારીના વર્ષો જૂના અમુક લેખોનો અભ્યાસ કરતા માલુમ પડ્યું કે તેનસિંગ અને હિલેરીએ જ્યારે ખુમ્બૂ હિમનદીના રસ્તે એવરેસ્ટ પર આરોહણ કર્યું હતું એ વખતે હિમનદીનો જે વ્યાપ હતો તે આજે સાઈઠ-સિત્તેર વર્ષ પછી લગભગ ચારેક કિલોમીટર જેટલો ઘટી ગયો છે. ઉત્તર-પશ્ચિમે તજિકિસ્તાનમાં આવેલી (બંને ધ્રુવ પ્રદેશ સિવાયની) જગતની સૌથી મોટી હિમનદી ફેડચેન્કોમાં પણ પીછેહઠનો દોર જોવા મળ્યો છે. હિમાલય પર્વતમાળાની હિમસરિતાઓ જો હાલની પરિસ્થિતિ પ્રમાણે પીછેહઠ કરતી જશે તો ઇ.સ. 2100 સુધીમાં તેમનું અસ્તિત્વ લગભગ નાબૂદ થશે એવું WWF ના તજજ્ઞોનું માનવું છે. સફારીના અભ્યાસ પ્રમાણે ગંગા નદીનું ઉદગમસ્થાન ગંગોત્રી વાર્ષિક 23 મીટર લેખે સંકોચન પામી રહી છે. પ્રસ્તુત લેખ માટે સફારીના વર્ષો જૂના અમુક લેખોનો અભ્યાસ કરતા માલુમ પડ્યું કે તેનસિંગ અને હિલેરીએ જ્યારે ખુમ્બૂ હિમનદીના રસ્તે એવરેસ્ટ પર આરોહણ કર્યું હતું એ વખતે હિમનદીનો જે વ્યાપ હતો તે આજે સાઈઠ-સિત્તેર વર્ષ પછી લગભગ ચારેક કિલોમીટર જેટલો ઘટી ગયો છે. ઉત્તર-પશ્ચિમે તજિકિસ્તાનમાં આવેલી (બંને ધ્રુવ પ્રદેશ સિવાયની) જગતની સૌથી મોટી હિમનદી ફેડચેન્કોમાં પણ પીછેહઠનો દોર જોવા મળ્યો છે. હિમાલય પર્વતમાળાની હિમસરિતાઓ જો હાલની પરિસ્થિતિ પ્રમાણે પીછેહઠ કરતી જશે તો ઇ.સ. 2100 સુધીમાં તેમનું અસ્તિત્વ લગભગ નાબૂદ થશે એવું WWF ના તજજ્ઞોનું માનવું છે. 

જો કે ગરમીએ જે રીતે માઝા મૂકી છે એ જોતાં માનવીએ કુદરતનો જે વિનાશ વાળ્યો છે એમાંથી પ્રકૃતિને કળ વળતા સમય તો લાગશે જ... સંદર્ભ સાભાર: UN, WMO, સફારી, ન્યુઝ ફોકસ - GS.

Comments

Popular posts from this blog

Union Budget 2026–27: Growth with Fiscal Prudence at the Core

મિડિયા: હેડલાઈન vs બેડલાઈન

અનંત અંતરિક્ષના મૂંઝવતા પ્રશ્નનું અનંત નિરાકરણ